મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના એક નાના એવા ગામમાં અત્યંત ગરીબ પરિવાર નો હૃદયસ્પર્શી કિસ્સો
મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના એક નાના એવા ગામમાં અત્યંત ગરીબ પરિવાર નો હૃદયસ્પર્શી કિસ્સો
મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના એક નાના એવા ગામમાં અત્યંત ગરીબ પરિવાર રહેતો હતો. માત્ર શેરડીના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ઝૂંપડામાં રહેતો પરિવાર મજૂરી કરીને માંડ બે ટંકના ખાવાની વ્યવસ્થા કરી શકતો.
બે સંતાનોની માતા એવી સ્ત્રીના ગર્ભમાં ક્યારે ત્રીજું બાળક હતું ત્યારે જ એનો પતિ મૃત્યુ પામ્યો.

ઘણા લોકોએ આ સ્ત્રીને ગર્ભપાત કરાવી નાંખવાની સલાહ આપી. પતિ વગર ત્રણ સંતાનોનું ભરણપોષણ કરવું એ બહુ કપરું કામ હતું પણ એ સ્ત્રીએ સલાહ આપનારાઓને કહી દીધું કે “હું એવું પાપ ક્યારેય નહીં કરું, એના નસીબમાં જેટલું લખાયેલું હશે એટલું એને મળી રહેશે પણ હું મારા ત્રીજા બાળકને જન્મ આપીશ.”

ત્રીજા બાળક તરીકે દીકરાનો જન્મ થયો. ભીલ સમાજની એ અભણ બાઈએ દીકરાનું નામ રાજેન્દ્ર રાખ્યું. ત્રણ સંતાનોની જવાબદારી પૂરી કરવા એ બહેને દેશી દારૂનો ધંધો ચાલુ કર્યો. લોકો દારૂ પીવા માટે આવે અને નાનકડો રાજેન્દ્ર રડતો હોય તો લોકો બે-ચાર દારૂના ટીપા એ છોકરાના મોઢામાં પણ નાંખે.

રાજેન્દ્ર મોટો થયો અને ભણવામાં તેની રુચિ વધી. લોકો એની માને સલાહ આપે કે છોકરાને તારા દારૂના ધંધામાં લગાડી દે આ છોકરાને ભણાવી-ગણાવીને તારે શુ કલેક્ટર બનાવવો છે. રાજેન્દ્રની માં લોકોને જવાબ આપતા કહે કે, “હા મારે એને કલેક્ટર બનાવવો છે, મારા દીકરાને મોટો સાહેબ બનાવવો છે.
”રાજેન્દ્ર ઝુંપડાની નજીકમાં આવેલા ચોકના ઓટલા પર બેસીને વાંચે. દારૂ પીવા આવતા લોકો માટે નાસ્તો લાવી આપે અને એ લોકો જે પૈસા આપે એમાંથી એના ભણવાના પુસ્તકો આવે.
અત્યંત દારુણ પરિસ્થિતિમાં જીવતા આ છોકરાએ ફરિયાદો કરવાને બદલે જીવનને સાર્થક કરવા અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. 90% માર્ક્સ સાથે
ધો.12 પાસ કરીને મેડિકલની પ્રવેશ પરીક્ષામાં પણ ખૂબ સારા માર્ક્સ લાવ્યો અને મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. ડોક્ટર બન્યા પછી યુપીએસસીની અઘરી ગણાતી પરીક્ષા પણ પાસ કરી અને આઈએએસ ઓફિસર બની ગયો.

ઝૂંપડામાં જન્મેલો અને પિતાનો ચહેરો પણ નથી જોયો એવો એક અત્યંત ગરીબ પરિવારનો દીકરો ડો. રાજેન્દ્ર ભરુડા કલેક્ટર બની ગયો.
જીવનની વિકટ પરિસ્થિતિ બાબતે ફરિયાદો કરવાને બદલે પ્રચંડ પુરુષાર્થના બળે જીવનને નવો વળાંક પણ આપી શકાય છે.
Comments
Post a Comment